પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળ (એસએડી)ના વડા સુખબીર સિંહ બાદલ પર અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર નજીક એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું.વ્હીલચેરમાં બેઠેલા બાદલનો ચમત્કારિક બચાવ થયો હતો અને ગોળી દિવાલ સાથે અથડાઈ હતી.
મંદિરના બહાર ઊભેલા કેટલાંક લોકોએ નરૈન સિંહ નામના હુમલાખોરને ઝડપી લીધો હતો. ઘટના સ્થળના વિઝ્યુઅલમાં દેખાય છે કે બાદલ એક હાથમાં ભાલો લઈને અને વાદળી ‘સેવાદાર’ યુનિફોર્મ પહેરીને સુવર્ણ મંદિરના ગેટ પર બેઠેલા છે. એક કથિત આધેડ માણસ ધીમે ધીમે મંદિરના દરવાજા પાસે આવે છે અને બંદૂક બહાર કાઢે છે.
પોલીસે શૂટરની ધરપકડ કરી હતી આ આઘાતજનક હુમલા પાછળના ઇરાદાની તપાસ ચાલુ કરી હતી. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ખાતરી આપી હતી કે સુખબીર સિંહ બાદલ પર હુમલાના પ્રયાસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સુવર્ણ મંદિર ખાતે શિરોમણી અકાલી દળ (એસએડી)ના નેતા સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને ઘટનાની તપાસની માંગ કરી હતી.